[અનુવાદ – ડૉ. હસમુખ પરમાર]
“અંકલ અંકલ ! બે ટીપાં જીવનનાં આપજો” એક મેલા ઘૅલા અર્ધનગ્ન છોકરાએ બે રૂપિયા કેમિસ્ટની સામે મૂકતાં કહયું .
“બે ટીપાં જીવનનાં ! તને કોણે બહેકાવી દીધો બેટા, આ નામની કોઈ દવા નથી . અરે ગાંડા, લે રાખ તારા બે રૂપિયા અને ઘરે જઈને દવાનું સાચું નામ લખાવી લાવ” કેમિસ્ટે હસતાં હસતાં બે રૂપિયાનો સિક્કો છોકરાના હાથમાં મૂકતાં જવાબ આપ્યો .
“અંકલ આ એજ દવા છે જેને પીવા માટે અમિત (અમિતાભ બચ્ચન) અંકલ અમને બાળકોને સમજાવતાં રહે છે . શું તમે ટી.વી. નથી જોતા ? અમારે ત્યાં નાનકડા ટી. વી. ઉપર કાલે પણ અમિત અંકલ આ દવા પીવા માટે કહી રહયા હતાં .” છોકરાએ ભોળાભાવે કહયું .
એમ , તો તું પોલિયો ડ્રોપ્સ વિશે કહી રહયો છે. એ તો કાલે મફતમાં મળી રહી હતી ત્યારે તું કયાં ગયો હતો ?”
“કાલે રવિવાર હતો ને અંકલ, રજા હતી . મમ્મી મને પણ એની સાથે કામ પર લઇ ગઈ હતી . હું દિવસભર ત્યાં રહયો . દિવસ ઢળ્યા પછી અમે ઘરે આવ્યા , જેથી મને બે ટીપાં જીવનનાં પીવા ના મળ્યાં . જો હવે હું એ બે ટીપાં નહીં પીવું તો અમિત અંકલ મારાથી નારાજ થઇ જશે . રાત્રે ટી. વી. પર એ પોતે કહી રહયા હતા કે તેઓ એ બાળક સાથે ક્યારેય વાત નહીં કરે જે બે ટીપાં જીવનનાં નહીં પીવે !” છોકરો રડવા જેવો થઇ ગયો હતો .
-०-