લેખક : કમલ ચોપડા
ગુજરાતી અનુવાદ : ખ્યાતિ કેયૂર ખારોડ [ ख्याति केयूर खारोड
ફોન પર મળેલા ખબર સાંભળીને તે એકદમ ઉદાસ થઈ ગઈ. પતિએ ગભરાઈને પૂછ્યું પણ ખરું કે બધું બરાબર તો છે ને? રૂંધાયેલા કંઠે તેણે કહ્યું, “મોટા ભાઈને કંપની તરફથી યુ.કે. જવાનું થયું છે. મારે તો એકનો એક ભાઈ, યવળી વિદેશ જવાનું થયું. આટલું દૂર!”
એ તો ખડખડાટ હસી પડ્યો. “અરે, આ તો સારા સમાચાર છે. અહીં વળી શું દાટ્યું છે? વિદેશની તો વાત જ નિરાળી! આમેય હવે ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે ને! ત્યારે દેશ શું અને વિદેશ શું? એ ભેદ હવે રહ્યો જ નથી. અંતર ઘટી ગયાં છે. બટન દબાવો અને મન થાય, તેની સાથે વાતો કરી લો. એક શહેરમાં રહેતાં હોઈએ, તો પણ ક્યાં રોજરોજ મળવાનું શક્ય બને છે? વર્ષે દહાડે ક્યાંક કોઈકના લગ્નપ્રસંગમાં મળ્યા, તે મળ્યા. સામાન્ય સંજોગે ફોન પર વાત કરી લો, એ રૂબરૂ મળ્યા બરાબર જ ગણાય. મને જ જો ને, મારો એક ભાઈ કેનેડામાં છે અને એક બહેન યુ.એસ.એ.માં; અને જ્યારથી જૂનું મકાન વેચીને આપણે આ મકાનમાં બે માળ ખરીદી લીધા છે, ત્યારથી બાપુજી નીચેના માળે અને આપણે અહીં ત્રીજા માળે રહીએ છીએ. છતાંય બાપુજીને મળવાનો તો કેટલાય દિવસે મેળ પડે છે. મોબાઈલ, એસ.એમ.એસ. અને ઈંટરનેટે બધાંને બહુ નજીક લાવી દીધાં છે. આખી દુનિયા એક નાનકડું ગામ બની ગઈ છે. એટલે તારી આ ઉદાસીનો કોઈ અર્થ જ નથી. બસ, એક ક્લિક અને અંતર ..છૂમંતર! હા..હા…હા!
ત્યાં જ કોલબેલ રણકી. એણે તરત નીચેની તરફ ડોકિયું કર્યું. બાપુજીના ઘરની બહાર તેમની કામવાળી બાઈ ત્રણચાર લોકો સાથે ઊભી હતી. તે દોડતો નીચે આવ્યો. બારણું અંદરથી બંધ હતું. બાપુજી ખોલતા જ નહોતા. પડોશીએ આગળ આવીને કહ્યું, “મને તો યુ.એસ.એ.થી તમારાં બહેનનો ફોન આવ્યો. બાપુજીએ જ તેમને મારો નંબર આપ્યો હશે. તમારાં બહેન કહેતાં હતાં કે એ બે દિવસથી બાપુજીને ફોન જોડે છે, પણ બાપુજી ફોન ઉપાડતા જ નથી. એમને ચિંતા થઈ ગઈ. તમારાં બહેને કહ્યું કે તમે આ જ મકાનમાં ત્રીજા માળે રહો છો. આ તમારા બાપુજી થાય, એ તો અમને જ ખબર જ નહોતી. આપણે ક્યારેય આવી તો વાત જ નથી થઈ ને? હું બારણું ખખડાવતો હતો, ત્યાં તો આ કામવાળી બાઈઆવી ગઈ …!”
કામવાળીના ચહેરા પર પણ ચિંતા હતી. – “હું હમણાં આવી, ત્યારથી આ ભાઈ બારણું ખખડાવે છે, પણ બાપુજી બારણું ખોલતા જ નથી. પરમ દિવસે સવારે અગિયાર વાગ્યે હું કામ કરીને અહીંથી ગઈ, ત્યાં સુધી તો બાપુજી સાવ સાજાનરવા હતા. કાલે હોળી હતી, એટલે મેં રજા રાખેલી અને હું કામ પર આવેલી જ નહીં.”
એને પોતાની જાત પર શરમ આવી. આટલા નજીક હોવા છતાં તેણે કેટલાય દિવસોથી બાપુજીના ખબરઅંતર પૂછ્યા નહોતા. તે તો બસ પોતાની જ દુનિયામાં મસ્ત હતો. અરે, બાપુજીને ફોનેય નહોતો કર્યો! અને અહીં બાપુજી….. અંતે બારણું તોડવામાં આવ્યું. સામે જ આરામ ખુરશીમાં બાપુજી નિશ્ચેત પડ્યા હતા. તેમની ડોક એક તરફ લબડી ગઈ હતી અને તેમની ખુલ્લી રહી ગયેલી આંખો બારણાને જ તાકી રહી હતી, જાણે કોઈની રાહ જોતી હોય.